શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ

શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ


સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે. શ્રી સોમનાથ મહાદેવનું આ ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રની પાંચાલ ભૂમિમાં આવેલ પવિત્ર તિર્થ સ્થળ ગણાય છે. જેના વિશે આ ઉક્તિઓ છે.




કંકુવરણી ભોમકા, સરખો સાલે માળ,
નરભક્ત નારાયણ નિપજે, ભોય દેવકો પાંચાળ
ઢાંગી માંડણ ઠીક છે, કદી ન આગળ કાળ,
ચાર પગ ચરતા ફરે, ખડ જેવો પાંચાળ

(અર્થાત્ ઃ કંકુના રંગ જેવી પાંચાળ ભૂમિ છે, જ્યાં સરખી માળમાં આવેલા સુંદર મહેલ છે. સાચી ભક્તિથી નરમાંથી નારાયણ બનતા મનુષ્યની આ પાંચળ ભૂમિ, દેવભૂમિ મનાય છે. આ પ્રદેશમાં આવેલ માંડણ ડુંગરાની સુંદર હારમાળાઓ છે. આ પ્રદેશમાં પશુઓ બારે માસ મોજથી ચરતા રહે છે.)

ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ( ૧૪૫૭ આસપાસ ) ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ઉપર ચુડાસમા કુંવર રા’મહિપાળ નું શાસન ચાલતુ હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા’ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી.અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો જીર્ણોધાર થયો હતો. મંદીરે તેની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદીરની કિર્તી સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદીર ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થઈ.


જુનાગઢના રા’ને આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતા સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું. ઝફરખાન સામેના એ ઇતિહાસ પ્રસિધ્ધ યુધ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોધ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલીંગની રક્ષા કરી. એ સૌમાં શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ. સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપુતીને તેમણે નવું જોમ આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુધ્ધ ખેલાઈ રહ્યુ છે. સોમૈયાના એક એક રખવાળ જીવતી દિવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે. પણ ઝાઝા બળ સામે રાજપુતો વઢાતા જાય છે. બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપુતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યુ.
તે દરમ્યાન હિરાગરજી આવ્યા તેમણે ક્હ્યું કે, હું પ્રભાસથી આવું છું. સોમનાથ દાદાએ મને સ્વપ્નમાં કહ્યું છે કે
સોમનાથ પાલખીએ ચઢે- આગળ પોઠિયો પળે
જયાં પોઠિયો જાય ત્યાં ત્યાં દાદા જાય,
પોઠિયો જયાં બેસી પડે ત્યાં સ્થાપન થાય.
(અર્થાત : સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું, આગળ તેમનો પોઠિયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે, પોઠિયો જયાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય.)
હિરાગરજીની આ વાત સૌને ગળે ઊતરી અને સૌએ કહ્યું કે ભલે ભલે, દાદાનીમરજી હોય ત્યાં જાય. ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યા. દાદાનીપાલખી તૈયાર કરાવી, દાદાના બાણને (લિંગને) પાલખીમાં પધરાવ્યું. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી, દાદાના બાણ (લિંગ)ની રક્ષા ખાતર ઘેલો (વેણી દાસનો પુત્ર) પણ પાલખીએ ચઢયો અને દાદાને બાથમાં લઈને તે બેઠો.સોમનાથના મંદીર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા.
દાદાનીપાલખી દૂર દૂર નીકળી ગયા પછી સુલતાનને ખબર પડી કે સોમનાથનું લિંગ તો ખસેડાઈ ગયું છે. જયારે સુલતાનને દાદાની પાલખી ગોરડકે પહોંચ્યાના વાવડ મળ્યા ત્યારે તેના સૈન્યે ગોરડકાને ઘેર્યું. આ વખતે ધિંગાણું થયું. તેમાં ગોઈઓ (વેણીદાસ ગોરડિયાનો દિકરો) મરાયો તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી.આ વાવને ગોઈયાની વાવ કહેવામાં આવે છે જે હાલ પણ મોજૂદ છે.દાદાની પાલખી આગળને આગળ નીકળી ગઈ છે તેવા વાવડથી સુલતાન તેની પાછળ પડયો.ગોરડકાથી ચાલીસ કોશ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલખી પહોંચી ત્યાં સુલતાનનું સૈન્ય જઈ પહોંચ્યું.

આ વખતે ચુડાસમાનું રક્ષકદળ જે પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલાં ગોરડિયાની સરદારી હેઠળ સુલતાનના સૈન્ય સાથે આઠ દિવસ સુધી ધિંગાણું ચાલ્યું.આઠ દિવસ સુધી જામેલ ધિંગાણામાં ચુડાસમા, વાળા , મકવાણા આદિ રાજપૂતો બહાદુરીથી લડયા.સોમનાથની પાલખીના રક્ષણ ખાતર તેઓએ પ્રાણ આપ્યા. ઘેલા ગોરડિયાએ આઠ દિવસ સુધી ધિંગણામાં સારી એવી ઝીંક ઝીલી અને નવમે દિવેસ નદીની વચ્ચે ધડ પડયું. છેવટે જાફરનું સૈન્ય વેરણછેરણ થયું. વાળા અને ચુડાસમા નું લડત રક્ષકદળ સુલતાન જાફરની પાછળ પડયા. જાફરનું ધલ મરી ખૂટયું અને જાફર જીવ લઈને નાઠો.


જયારે એક બાજુ ધિંગાણું ચાલતું હતું. ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી બે કોશ દૂર પોઠિયો પડયો. ત્યાં આગળ તે જે જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન વેજલ ભટ્ટે કરાવ્યું અને પૂજા ભણાવી. ઘેલા ગોરડિયાને અમર બનાવવા આ સ્થાનકે ઘેલા સોમનાથ નું નામ આપવામાં આવ્યું. ઘેલા સોમનાથની સ્થાપનાના દિવસોમાં સુલતાનના સૈન્યના વેરણછેરણ થયેલા સૈનિકો ત્યાં ચડી આવ્યા અને ત્યાં જ ધિંગાણું થયું. તેમાં વેજલ ભટ્ટ મરાયા. આ વખતે ધેલા સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકુળ જણાતા ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા આવી. સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલીંગની સ્થાપના બીજે થયાની અને મીનળદેવી તેની પુજા કરે છે એ હકીકતની જાણ થઈ.

સૌનિકોએ હલ્લો કર્યો પણ ક્ષત્રિય શુરવીરો ના સંગઠીત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડયું. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતા મોતને વહાલું ગણ્યું અને ધેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી હતી ત્યાં દેરી બાંધવામાં આવી. આમ સોમનાથ મંદીરેથી લાવીને આ શિવલીંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરો ચુડાસમા, ગોહિલ, વાળા, મકવાણા, વગેરે ની બલીદાનની ગાથા વણાયેલી છે. આજે પણ સૌરાષ્ટ્રમાં બોટાદ જંકશનથી જસદણ જતી ગાડીમાં વિંછીયા સ્ટેશન આવે છે, ત્યાંથી લગભગ બાર કિલોમીટર અંદરના ભાગમાં ઉન્મત્ત ગંગા નદીના કાંઠે આ સ્થાન આવેલું છે. સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદીરના દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે.

ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ધેલા સોમનાથનાં મંદીરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદીરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદીરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ઘેલા સોમનાથની નજીકમાં આવેલી છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરમિયાન અહીં મેળો પણ ભરાય છે. ટેકરી પરથી નજર કરતા ચામુંડા માતાજીનાં જ્યાં બેસણા છે તે ચોટીલાનો ડુંગર દુરથી દેખાય છે. આમ ધેલા સોમનાથ ગુજરાતનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે.

લેખક – કલ્પેશ મેણિયા.